શક્તિપીઠ બહુચરાજીમાં દશેરાએ રૂ. 300
કરોડના નવલખા હારથી માતાજીનો શણગાર કરવાની અનોખી પરંપરા...
(આલેખન: જગદીશ રામી, મહેસાણા)
મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે બિરાજમાન જગતજનની મા બહુચરને વર્ષો જૂની પરંપરા મુજબ દશેરાના દિવસે રૂ. 300 કરોડના હીરાજડીત નવલખા હારથી શણગાર કરવામાં આવશે. આ પરંપરાનો સને 1839માં ગાયકવાડ શાસકે કરાવ્યો હતો. આજની નવી પેઢીને વર્ષો જૂની આસ્થા સાથે વણાયેલી ઘટનાને વર્ણવાનો પ્રયાસ કર્યો છે.
સને 1839માં બરોડાના રાજવી માનાજીરાવ ગાયકવાડ કડી પ્રાંતના સૂબા હતા ત્યારે તેમની પીઠનું અસહ્ય દર્દ માં બહુચરની માન્યતાથી દુર થયું હતું. ત્યારબાદ માની કૃપાથી રાજવી બનવાની મનોકામના પૂર્ણ થતાં તેમણે બહુચરાજી ખાતે માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કરાવી મા બહુચરને હીરાથી જડીત અમૂલ્ય નવલખો હાર અર્પણ કર્યો હતો.
ગાયકવાડ રાજવી તે સમયે નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કરી વિજયા દિશમીએ માતાજીને નવલખા હારનો શણગાર કરી પાલખીમાં નગરચર્યાએ નિકળ્યા હતા. બસ ત્યારથી મા બહુચરના પરમ ભક્ત ગાયકવાડ શાસકની વર્ષો જુની પરંપરા આજે પણ શ્રદ્ધાભેર નિભાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમય મુજબ નવલખા હારની કિંમત રૂ. 300 કરોડ જેટલી હોવાથી સરકારે નિયુક્ત કરેલા મંદિરના ખાસ વહિવટદારની કસ્ટડીમાં રાખવામાં આવે છે. વર્ષમાં એક જ દિવસ એટલે કે દશેરાએ વિશેષ પોલીસ બંદોબસ્ત સાથે માતાજીને નવલખા હારનો ભવ્ય શણગાર કરવામાં આવે છે. #🙏ભક્તિ સ્ટેટ્સ
