#🔥 બિગ અપડેટ્સ
ભારતીય સેનાએ આજે સાંજે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાસે એક પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો. સેનાએ જણાવ્યું કે, LoC પાસે અન્ય કેટલાક ડ્રોન પણ જોવા મળ્યા. સેના આ વાતની તપાસ કરવા માટે શું આ ડ્રોન દ્વારા વિસ્તારમાં હથિયારો કે ડ્રગ્સના પેકેટ ફેંકવામાં આવ્યા છે? સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.આ પહેલા શનિવારે (10 જાન્યુઆરી) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) તરફથી આવેલા એક ડ્રોને સાંબા સેક્ટરમાં હથિયારોનો જથ્થો ફેંક્યો હતો.
મશીનગનથી ફાયરિંગ અને સર્ચ ઓપરેશન
સેનાએ જણાવ્યું કે, ડ્રોન પર મશીનગનથી ફાયરિંગ કરવામાં આવ્યું. ગયા વર્ષે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે અનેક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા હતા. ત્યારબાદ ડ્રોન દેખાવાની ઘટનાઓ ઘણી ઓછી થઈ ગઈ હતી. જો કે, આજે એક જ દિવસમાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરીના સમાચાર આવ્યા છે. આજે રાજૌરીના ધર્મશાલ તીર્થ વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળતા સતર્કતા વધારી દેવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ડ્રોન ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યું હતું અને તેમાં સફેદ રંગની બ્લિંકિંગ લાઈટ થઈ રહી હતી. મળતી માહિતી અનુસાર, આ ઉડતી વસ્તુ દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી તહસીલ કાલાકોટના ધર્મશાલ ગામ તરફથી આવી હતી અને ત્યારબાદ ઉત્તર-પૂર્વ દિશામાં ભારખ (રિયાસી) તરફ આગળ વધી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી. સુરક્ષા દળોએ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે અને તપાસ શરૂ કરી છે. હાલમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, જોવા મળેલી વસ્તુ ડ્રોન હતી કે અન્ય કોઈ સાધન. સરહદ અને સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી સજ્જડ કરવામાં આવી છે.
રાજૌરીના નૌશેરામાં સેનાની કાર્યવાહી
આ દરમિયાન લાઈન ઓફ કંટ્રોલ (LoC)ના ગનિયા વિસ્તારમાં એક ડ્રોન દેખાયા બાદ સેનાએ ફાયરિંગ કર્યું. ડ્રોનની વધતી જતી ગતિવિધિઓને જોતા સુરક્ષા દળો સંપૂર્ણ સતર્ક થઈ ગયા છે. સેના દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચાક બબરાલ ગામમાં સ્થાનિક લોકોએ એક શંકાસ્પદ ડ્રોન જોયું હતું. માહિતી મુજબ, આ વસ્તુ લગભગ 2 થી 3 મિનિટ સુધી ગામની ઉપર મંડરાતી રહી અને ત્યારબાદ તે પાકિસ્તાન તરફ ચાલી ગઈ. આ ઘટના બાદ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે કે શું આ ખરેખર ડ્રોન જ હતું કે અન્ય કોઈ ટેકનિકલ ઉપકરણ. સરહદી વિસ્તારમાં ડ્રોન ગતિવિધિની આશંકાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અને તકેદારી કડક કરવામાં આવી છે.

