#🗞️ ગુજરાત અપડેટ્સ
ગુજરાતના પાટનગર ગાંધીનગર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતેથી અમદાવાદ મેટ્રો ફેઝ-2 ના અત્યંત મહત્વના એવા સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યુ છે. આ સાથે જ ગાંધીનગરના આંતરિક વિસ્તારો અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.મેટ્રો ફેઝ-2 ના આ વિસ્તરણ સાથે હવે સરકારી કર્મચારીઓ, મુલાકાતીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે મુસાફરી અત્યંત સરળ અને ઝડપી બનશે. સચિવાલય, જે રાજ્યનું વહીવટી કેન્દ્ર છે, તેને સીધું જ આંતરરાષ્ટ્રીય સ્તરના કન્વેન્શન સેન્ટર 'મહાત્મા મંદિર' સાથે જોડવામાં આવ્યું છે. આ રૂટ શરૂ થવાથી ગાંધીનગરના ટ્રાફિકનું ભારણ ઘટશે અને પ્રદૂષણમુક્ત પરિવહનને વેગ મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી છે. ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ સહજ સંવાદ સાધ્યો હતો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રો ફેઝ-2ના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મેટ્રો ફેઝ-2ના 7.8 કિમીના રૂટમાં સાત સ્ટેશન આવશે. જેમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર, સેક્ટર 10 અને સચિવાલય સુધીના રૂટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

