🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે પોતાના સખા કેસરીસિંહ, માનસિંહ દિલ્લીસિંહ અને ગંગાવિષ્ણુ એ આદિક બીજા કેટલાક સખાઓને સાથે લઈને ઘનશ્યામ મહારાજ પોતે રમતા સતા સરયુ ગંગાના રામઘાટે જતા હતા. ત્યારે ત્યાં જઈને સરયુ નદીમાં પાણી ઘણું આવ્યું હતું તેના કિનારા ઉપર જઈને ઉભા રહીને જોતા હતા તે સમયે મહાકઠોર બુદ્ધિવાળો ભવાનીદત્ત નામનો એક પૂર્વનો અસુર ભગવાનને મારવાના ઇરાદાથી તત્કાળ ત્યાં આવ્યો. તે સમયે ઘનશ્યામ મહારાજ કેસરીસિંહ તથા માનસિંહ વચ્ચે ઉભા રહ્યા અને બે સખાના ખભા ઉપર એક એક હાથ મૂકીને પુર જોતા હતા. તે સમયે પાછળથી આવીને કોઇ ન જાણે તેમ તે અસુર ઘનશ્યામ મહારાજને બન્ને સખાઓ સાથે ધક્કો મારતો હતો. તેથી ત્રણે જણને પાણીમાં પાડી નાખ્યા. ત્યારે કેસરીસીંગ અને માનસંગ તો ડુબવા લાગ્યા. તેમને પોતાના બે ખભા ઉપર બેસારીને પોતે ઘનશ્યામ મહારાજ તો પ્રવાહમાં તરતા તરતા એમ ને એમ ચાલ્યા, તે ચાર ગાઉ બીલ્વા બજારે જઈને નીકળ્યા. ત્યાં પુર જોવા આવેલાં હજારો માણસ તે પાણીના પુરમાં આવેલા ત્રણે જણને જોઇને મહા વિસ્મય પામી ગયાં અને પૂછવા લાગ્યાં જે, હે ભાઈ ! તમો કોના પુત્ર છો ? આવા જબરા પુરમાં મઘર આદિક કોઇ જનાવર તમોને પકડીને ખાઇ જાત. નહીં તો આવા પાણીમાં ડૂબી મરત. આ તો ભગવાને તમારી રક્ષા કરી. ત્યારે તે વાત શ્રીઘનશ્યામ મહારાજે વિસ્તારપૂર્વક સર્વે જનોને કહી. તે સાંભળીને મહા આશ્ચર્ય પામતા તેઓ બોલ્યા જે, અહો ! આતો સાક્ષાત્ કોઇ ઈશ્વરનો અવતાર છે. આવા મહાપુરમાં ચાર ગાઉથી આવ્યા એમ કહીને સર્વે પગે લાગતા હતા. ત્યારબાદ ઘનશ્યામ મહારાજ પોતાના બન્ને સખાઓને કહેવા લાગ્યા જે, હે ભાઈઓ ! આપણા સખા જે શ્યામલાલ વગેરે ત્યાં ઉભા છે તે ત્રાસ પામતા સતા ઘેર જઈને આપણાં માતાપિતાને તે વાત કહેશે. તે સાંભળીને બહુ દુઃખી થઇ રુદન કરવા માંડશે. માટે હે મિત્રજનો ! આપણે હવે અહીંથી ઉતાવળા ચાલો. ત્યારે કેસરીસંગ બોલ્યા જે, આ સરયૂગંગા કેમ ઉતરશો ? ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, જા ભલા માણસ, આટલા બધા પુરમાં આપ કેમ જીવતા નીકળ્યા ? માટે જેણે જીવતા રાખ્યા છે તેજ પાર ઉતારશે. ચાલો મારી કેડયે આવો. તમો બિલકુલ ભય રાખશો નહિ, એમ કહીને પોતે આગળ ચાલ્યા અને તે બન્ને કેડે ચાલ્યા, તે સામા કિનારે જેમ પૃથ્વી ઉપર ચાલે તેમ પાણી ઉપર ચાલી રામઘાટે આવતા હતા. ત્યારે તે ઘાટ ઉપર કેસરીસંગનાં માતાપિતા આદિક ધર્મદેવ, ભક્તિમાતા સહિત સુવાસિનીબાઇ રૂદન કરતાં હતાં. તે વખતે ત્રણે જણ તત્કાળ ત્યાં આવીને ઉભા રહ્યા. ત્યારે તેમને જોઈને માતાપિતા બહુ રાજી થયાં અને મસ્તક ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યાં જે, હે બાપ ! તમોને ખમ્મા કરે ! અમોને તો તમારી ઘણી ચિંતા થતી હતી. અને તમો આવા જબરા પાણીના પુરમાંથી શી રીતે આવ્યા ? ત્યારે તે વૃત્તાંતની વાર્તા કેસરીસંગે વિસ્તારથી કહી. તે સાંભળીને મહા આશ્ચર્ય પામતા સતા પોતપોતાના ઘેર આવતા હતા. ત્યારબાદ આખા શહેરમાં એકબીજાના કહેવાથી એવી વાત ચાલી જે ભવાનીદત્ત બ્રાહ્મણે આ ત્રણે બાળકોને નદીના પુરમાં નાખી દીધા તેમને ભગવાને જીવતા કાઢ્યા. એવું સાંભળીને રાજા દર્શનસિંહ ઉતાવળા થઇ ધર્મદેવના ઘેર આવીને તે વૃત્તાંતની વાર્તા ઘનશ્યામ મહારાજને પૂછવા લાગ્યા જે, તમોને કોણે પાણીમાં નાખી દીધા ? ત્યારે તેમણે વિસ્તારપૂર્વક તે વાર્તા કહી. પછી તે રાજાએ પોતાના દૂત મોકલીને બ્રાહ્મણને બોલાવીને શિક્ષા કરી.
🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ