#🗞️ ગુજરાત અપડેટ્સ
ગુજરાતના અન્ય સમાજોના રાહે ચાલીને આખરે રબારી સમાજે પણ પોતાનું બંધારણ ઘડ્યુ છે. આજે ડીસા ખાતે યોજાયેલા મહાસંમેલનમાં રબારી સમાજના આગેવાનોએ 11 મુદ્દાના બંધારણની જાહેરાત કરી છે.
જન્મ પ્રસંગ
ખોળો ભરાવવાની પ્રથા પરંપરાગત જે છે એજ ચાલુ રાખવી (બેબી શાવર કરવું નહી)
દિકરીને ડિલિવરી (પ્રસૂતિ) પ્રસંગે પિયર લાવેલ હોય ત્યારે સાસુ અને કુટુંબના સગા આવે ત્યારે સાસુના ૧૧૦૦/-રૂપિયા અને ૨ જોડ કપડાં લેવા અને બીજા સાથે હોય તેના ૧૦૦/- રૂપિયા લેવા.વળતું ઓઢાંમણુ કોઈને આપવું નહીં.
જન્મ પ્રસંગે નાની-મોટી રકમનું શૈક્ષણિક સંકુલમાં દાન આપવું, જન્મ પ્રસંગે અન્ય ખર્ચા ન કરવા. વધામણીયો મુકવો નહીં, તેમજ જન્મ પ્રસંગે દિકરા કે દિકરી ને દાગીનો આપવો નહી.
ડિલિવરી પ્રસંગે દવાખાને બોલાવા આવે ત્યારે પોતાની વેવાણના રૂ. ૧૧૦૦/- રૂપિયા લેવા, અને બીજા સગાના ૧૦૦/-રૂપિયાથી વધારે લેવા નહીં, તથા વળતું ઓઢાંમણુ કોઈને આપવું નહીં, દવાખાનામાં સમાચાર લેવા આવે તેમને નાસ્તા કે જમવાની વ્યવસ્થા કરવી નહિ, નાની બીમારીમાં કોઈ બોલામણું રાખવું નહીં.
સગાઇ પ્રસંગ :
કુંડી લઈને આવે ત્યારે બે જણને જ આવવું અને ૫૦૧/- રૂપિયા કુંડીના તથા ૫૦૧/-રૂપિયા ફેટાના આપવા.વળતી કુંડીનાં ૧૧૦૦/- જ આપવા તેમજ કુંડી લઈને આવે તેમને ઓઢામણું ૧૧૦૦/- રૂપિયાથી વધુ આપવું નહિ,
કુડીમાં દાગીના આપવા કે લેવા નહીં, બે જોડ કપડાં જ મોકલવા તથા વધારાની કટલરી અને ડ્રાયફૂટ લેવા કે આપવા નહીં તેમજ કાકા બાપા કે કોઈના ઓઢામણા આપવા કે લેવા નહીં.
સગાઈ પ્રસંગે કુટુંબ અને પરિવાર સિવાય કોઈ જમણવાર રાખવો નહી.
પુખ્ત વયે સગાઈ કરવી તથા દીકરા-દીકરી ઉમર લાયક થાય ત્યારે લગ્ન કરવા. છોકરીના લગ્ન થાય પછી સાસરીમાં મૂકી દેવી, આણા પ્રથા દૂર કરવી,
લગ્ન પ્રસંગ :
લગ્ન લખતી વખતે કુટુંબ તથા મામા-માસીનાં સગા સિવાય કોઈને બોલાવવા નહીં.
લગ્ન વખતે બે લગનીયા જ મોકલવા. લગ્ન ના ૫૦૧/- રૂપિયા લેવા અને વળતું લગનિયાને ઓઢામણું ૧૧૦૦/- રૂપિયાથી વધારે આપવું નહિ, લગ્ન વધાવતી વખતે કુવાસીએ ૧૦૦/- રૂપિયાથી વધારે પૈસા પોહલીમાં મૂકવા નહિ, લગ્ન આવે તે દિવસે મામેરુ ના હોય તો નજીકના સગા-વ્હાલા અને કુટુંબ પુરતો જમણવાર રાખવો.
લગ્નના જમણવારમાં એક થી બે જ મીઠાઈ, શાક, રોટલી, દાળ-ભાત રાખવાનું રહેશે. (રસ કે દૂધપાક હોય તો એક જ મીઠાઈ બનાવવી)
લગ્નમાં પ્રિ-વેડિંગ, હલ્દીરસમ, મહેંદીરસમ, વેલકમ જેવા કાર્યક્રમો સદંતર બંધ કરવા. (યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ બનાવવી નહિ. વિડીયો ગ્રાફરે પણ કોઈ ફોટા સોશિયલ મીડિયામાં મુકવા નહિ તેવી સૂચના આપવી. (ખર્ચાળ રસમો ના કરવી)
જમણવારમાં ડિસ્પ્લે સદંતર બંધ અને સાદો મંડપ રાખવો. વરઘોડો, ડી.જે-પાર્ટી, દાંડિયારાસ સદંતર બંધ તથા સાદો ઢોલ અને શરણાઈ રાખી શકાશે.
લગ્નમાં દિકરીને વાસણ પ્રથા બંધ કરી ૧૧૦૦૦/- થી ૫૧૦૦૦/- રૂપિયા વાસણ પેટે આપવાના રહેશે.
છાંટણાં વખતે જમાઈને જમાડતી વખતે સોનું કે વસ્તુ આપવી નહીં ૧૧૦૦૦/- થી ૫૧૦૦૦/- રૂપિયા સુધીની મર્યાદામાં રોકડ રકમ આપવી.
કમખામાં ૨૧૦૦/- રૂપિયાથી વધારે રકમ આપવી નહિ.
લગ્નપ્રસંગે ડિજિટલ પત્રિકા રાખવી તથા ફોનથી આમંત્રણ આપવું.
લગ્નપ્રસંગે મીઠાઈના બોક્સ કે પડીકાં આપવા કે લેવા નહીં, ઓઢામણા કુવાસી પૂરતા જ આપવા અન્ય સગા માટે સદંતર બંધ.
લગ્નપ્રસંગે વર તથા વધુ બંને પક્ષે ઓછામાં ઓછા ૨૧૦૦/- રૂપિયા ફરજીયાત અને વધારે તેમની ઈચ્છાશક્તિ પ્રમાણે જે તે તાલુકાના શૈક્ષણિક સંકૂલમા આપવાના રહેશે.
જાન મર્યાદિત સંખ્યામા લઈ જવી. જાન લઈ લગ્નસ્થળે મોડામાં મોડા ૯ થી ૧૧ વાગ્યા સુધીમાં અને લગ્નનાં મુહૂર્ત સચવાય તે મુજબ પહોચી જવું, જાનમાં ૨૧ થી વધુ ગાડી લઈ જવી નહીં શક્ય હોય તો બસ કરવી.
પડલામાં અડધા તોલાથી ચાર તોલા સુધી સોનાના દાગીના આપવા તથા ૧૦૦ ગ્રામથી ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના આપવા તેનાથી વધારે આપવા નહિ, જે ગોળમાં જે રીવાજ હોય તે પ્રમાણે વર્તવું.
પડલું જાહેરમાં ભરવું નહીં જાન ઉતારે પહોંચે એટલે તરત જ બંને પક્ષના બે-બે વ્યક્તિની હાજરીમાં માંડવે જઈ પડલાંની સોંપણી કરવી, (માંડવા પક્ષ તરફ થી પડલાં માટે બોલાવવાની અપેક્ષા રાખવી નહિ તથા કુંડી ભરવાની વિધિ રાખવી નહીં,)અમદાવાદ સહિત આખુ ગુજરાત (24 મી જાન્યુઆરી) સાંજથી જાણે કે શિતલહેરમાં સપડાયું હોય તેવી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 5.3 ડિગ્રી, વડોદરામાં 5 ડિગ્રી અને રાજકોટમાં 8.4 ડિગ્રી ઘટી જતા શહેરીજનો રીતસરના ઠુંઠવાઈ ગયા હતા. હાડ ધ્રુજાવતી ઠંડીમાં આખા ગુજરાતનું જનજીવન પ્રભાવિત થયું હતું.મામેરું અને મોસાળું પ્રસંગ :
મામેરું વખતે ઓઢામણું સગી ભાભીને ૧૧૦૦/- રૂપિયા તથા કુટુંબની ભાભીઓને ૨૦૦/- રૂપિયાથી વધારે આપવું નહિ કપડાંની ઓઢામણા પ્રથા સદંતર બંધ, મા માટલામાં ગોળનો રવો આપવો મીઠાઈ આપવી નહિ.
લગ્ન પ્રસંગે સાઢુઓએ મોમેરામાં નોતેર વખતે ૧૧,૦૦૦/- થી ૫૧,૦૦૦/- રૂપિયા સુધીની મર્યાદામાં કરવી,
સમાજના દરેક ગામમાં બહાર ગામમાંથી આવતા સગા-વ્હાલાઓએ લગ્ન પ્રસંગે કુવાસી પૂરતા પૈસા આપવા બીજો કોઈ વ્યવહાર કરવો નહિ.
મામેરું આવતી વખતે વધાવી લેવું, મામેરું ભરાયા પછી બહેનોએ વધાવવું નહી તેમજ રાવણામાં જમાઈએ ઉભા થઈને રામ રામ કરવા.
મામેરું ૧,૦૦,૦૦૦/- થી ૧૧,૦૦,૦૦૦/- રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું.
મોસાળું ૨૧,૦૦૦/- થી ૫,૦૦,૦૦૦/- રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું.
આણું :
આણું તેડવા બે વ્યક્તિએ જ જવું, ઓણાતીને ૧૧૦૦/- રૂપિયા થી વધુ ઓઢામણું આપવું નહીં તથા કાકા-બાપાના કોઈ કુટુંબીજનોએ ઓઢામણું આપવું નહીં.
વળતા આણામાં કોઈ પણ દાગીનો આપવો નહિ.
બીજી વારના લગ્ન (ઘઘેણું) મા ૧૦થી ૨૦ લોકોની મર્યાદામાં જવું, બંને પક્ષોએ જમણવાર કરવો નહી.
છુટાછેડા :
કુંવારા સગપણ ના ૨,૫૦,૦૦૦/- રૂપિયા લગ્ન કરેલ હોય અને બાળક ન હોય તો ૫,૦૦,૦૦૦/- રૂપિયા તથા બાળકો હોય અને છૂટું થાય તો ૧૧,૦૦,૦૦૦/- રૂપિયાની બાળકના નામે એફ.ડી. કરવી અને મિલ્કતમાં જે હિસ્સો આવતો હોય તે બાળકને આપવો. અને ઉપરના મુદામાં જો દીકરી પક્ષની ભૂલ હોય તો દાગીના પરત આપવાના રહેશે અને ફંડની રકમ દીકરી પક્ષે આપવાની રહેશે. અને દિકરા પક્ષની ભૂલ હોય તો આપેલ દાગીના જમા રહેશે અને ફંડની રકમ દીકરા પક્ષે આપવાની રહેશે.
સાટા પ્રથાનું સગપણ હોય તો બંને પક્ષોએ સાથે બેસી નિવારણ લાવવાનું રહેશે.
છુટાછેડા ના પ્રસંગમાં જે ફંડ નક્કી થાય તેમાંથી ૧૦% ૨કમ જે તે તાલુકાનાં શૈક્ષણિક સંકુલમાં આપવાની રહેશે.
કોઈપણ દીકરા કે દિકરીને મન દુઃખ થાય તો એક થી બે વર્ષ મા નિકાલ કરી દેવો.
સમાજમાં દીકરા કે દિકરીને કોઈ વાંધો પડે તો દેવ કે માતાજીને ભળાવવું નહિ, તેમજ પોલીસ કે કોર્ટ કચેરીમાં દાવા કરવા નહિ, સામાજિક સગા સબંધી ભેગા કરી યોગ્ય સમાધાન કરવું.
શિક્ષણ ક્ષેત્રે
દીકરા-દીકરીઓને ઓછામાં ઓછુ કોલેજ સુધીનું શિક્ષણ ફરજીયાત આપવું, દરેક તાલુકામા સમાજની શિક્ષણ સંસ્થા અને કોચિંગ ક્લાસ શરૂ કરવા જેથી બહાર શહેરોમાં જવું પડે નહિ. સમાજે કુરિવાજોથી દૂર રહેવું. સાથે સાથે આધુનિકતાના નામે ચાલતી બદીઓથી દૂર રહેવું. માતા-પિતા અને શિક્ષણ પ્રેમીઓએ બાળકોના શિક્ષણ સંસ્કાર પર વધુ ભાર મૂકવો.
સમૂહલગ્ન પ્રસંગ :
દરેક તાલુકામાં પરગણા વાઈઝ સમૂહલગ્નની શરૂઆત કરવી.તેમજ સમૂહલગ્ન થયા બાદ ઘરે જમણવાર રાખવો નહી.એક જગ્યાએ સમૂહ લગ્ન થવાથી એક જ સ્થળે સગા-વ્હાલા મળી રહે તેનાથી ખોટા ખર્ચા અને સમયનો બચાવ થાય. દરેક ગામમાં સામાજિક સમૂહ લગ્ન ની શરૂઆત કરવી. શક્ય હોય તો લગ્ન પ્રસંગો શિયાળામાં રાખવા જેથી ખર્ચમાં ઘટાડો થઈ શકે.વ્યસન :
સમાજના કોઇપણ પ્રસંગમાં કેફીદ્રવ્યો જેવા કે અફીણ, ડોડા, નશાની ગોળી, બીડી-સિગારેટ અને નશાની કોઈપણ પ્રકારની ચીજ-વસ્તુઓ વાપરવી નહી.
આધુનિક સમયમાં ચાલતા ડ્રગ્સ જેવાં દૂષણોથી સદંતર દૂર રહેવું સમાજ સંપૂર્ણ વ્યસન મુક્ત બને તેવા પ્રયત્નો દરેકે કરવાં.
મરણ પ્રસંગ :
મરણ પ્રસંગે મૃત્યુ પામેલા હોય તે દિવસે ચા-પાણી સિવાય અન્ય રાંધણું કરવું નહી, મરણ પ્રસંગે પોતાની કુવાસી અને મોસાળના સગા બોલાવવા અને અન્ય સગાઓ બોલાવવા નહિ.
મંગળવાર સિવાય બધાજ વાર બેસણામા જઈ શકાશે રવિવારે પણ બેસણું ચાલુ રહેશે, મરણપ્રસગે જમવાનું બુફે રાખવાનું રહેશે. મોતમાં બહેનોને રાહડા કે છાતી કૂટવી નહી.
જે સગા મોતના દિવસે આવ્યા હોય તેમને ત્રીજા દિવસે આવવું નહિ સીધા બારમાના દિવસે જ આવવું. બારમુ સગાવ્હાલા પુરતું મર્યાદિત રાખવું બારમાના દિવસે શોક ઉઠાવી દેવો પોણો મહિનો સદંતર બંધ બારમાં પછી કોઈએ વાર તહેવારે કૂવાસી કે અન્ય સગાએ મોઢું ઢાંકવું નહિ.
મોતમાં ૧ રૂપિયા થી ૧૦ રૂપિયા સુધી આપી શકાશે અને જે રકમ આવે તે ધર્માંદા પેટે બીજા ઉમેરીને શૈક્ષણિક સંકૂલમા આપવા.
બારમાના દિવસે શીરો-ચોળા અથવા મગ તેમજ ખીચડી-કઢી રાખવી અને ૪૫ વર્ષથી નાની ઉમરનું મોત હોય તો બારમું કરવું નહિ અને ત્રીજા દિવસે વિધિ પતાવી દેવી.
નાની ઉંમરમાં મોત થયેલ હોય તો ૧ મહીનામાં શોકનાં સાડા બદલી દેવા અને મોટી ઉંમરના મોતમાં ૧૨ દિવસ પછી શોકના સાડા બદલી દેવા.
બારમા પછી મરણ નિમિતે કોઈ જમાણવાર રાખવો નહિ ઈચ્છા હોય તો તેના બદલામાં શાળાના બાળકોને તિથી ભોજન કરાવવું. (ગંગાથાળી જેવા નવા પ્રસંગો કરવા નહી) મરણ પ્રસંગે ચોર્યાસી વિધિ કુટુંબ પૂરતી રાખવી.
નાની ઉંમરના સ્ત્રી અને પુરૂષોએ વધારે પડતા લોકાચાર પ્રસંગે જવું નહિ બને ત્યાં સુધી વડીલોને જ જવું (ઘરમાંથી એક જ વ્યક્તિને જવું) સગા-વ્હાલા પુરતું મર્યાદામાં જવું.
રોડીવટો અને ગોયણી ૧૧,૦૦૦/- રૂપિયા થી ૧,૦૦,૦૦૦/- રૂપિયા સુધીની મર્યાદામાં કરવી.
રાત્રે મોત થયું હોય વહેલાસર વિધિ પતાવી દેવી.
મરણ કે અન્ય સામાજીક પ્રસંગોએ બહાર ગામથી આવતા સગા-વ્હાલાઓને ભાડા કે ઓઢામણાંનો વ્યહવાર કરવો નહિ.
આધુનિક યુગમાં ફોનની સુવિધા હોવાથી મોતનો મેલો મૂકવો નહિ.
અન્ય :
હવન (યજ્ઞ), રમેલ સાદી રાખવી.
સમાજમાં નવા-નવા કોઈ રિવાજ કે પ્રસંગો ઉભા કરવા નહિ.
લગ્ન અને મરણ પ્રસંગે પ્લાસ્ટીક ના ચા કપ વાપરવા નહીં આ કપ થી કેન્સર જેવા રોગ થાય છે માટે શક્ય હોય તો સ્ટીલ અથવા માટીના કપ વાપરવા.
રબારી સમાજના લોકોને ખાસ નોંધ :
આ સામાજીક બંધારણ ત્રણેય જીલ્લાઓના જુદા-જુદા ગામોમાં ઝોન કક્ષાની મિટિંગો યોજી ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે વિચાર-વિમર્શ કરી તમામ પરગણા અને ગોળના લોકોની સંમતિ લીધા બાદ ઘડવામાં આવેલ છે. જેનો ઉદેશ સામાજીક પ્રસંગોએ દેખા-દેખીમાં વધતાં જતાં બેફામ ખર્ચાઓ અટકાવવાનો છે. જેનાથી મર્યાદિત આવકવાળા લોકો પણ પોતાનાં સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે તથા સમાજમાં સમાનતાનો ભાવ લાવવા માટેનો શુભ પ્રયાસ છે.જેનું દરેકે પોતાના ઇષ્ટદેવની સાક્ષીએ પાલન કરવું. દરેક ગામ-ગોળ પરગણા મુજબ બંધારણ અમલીકરણ સમિતિઓ બનાવવી. આ ત્રણેય જીલ્લાઓનું સામૂહિક બંધારણ છે. આ બંધારણ કરતાં કોઈ ગોળ કે પરગણાનું બંધારણ ઓછું ખર્ચાળ અને કુરિવાજોમાંથી મુક્ત કરનાર હોય તો તેનો અમલ પ્રથમ કરવો. આ સાથે તમામ પરગણાની વિગત સામેલ છે.