🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! જે દિવસે ઘનશ્યામ મહારાજને જનોઈ પહેરાવી તેથી ચાર દિવસ આગળ બળદેવપ્રસાદજી, સુત જનકરામ તથા ધર્મદેવ આદિક તથા રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ સહિત તેમને સાથે લઈને જનોઈનો સામાન લેવા માટે પોતાના ઘેરથી ગાડુ જોડાવીને ગોંડા શહેરમાં ગયા. ને ત્યાં જઈને બજારમાંથી સર્વે સામાન લીધો તેથી સાંજ પડી ગઇ. પછી કુંજગલીમાં બાબા રામદાસની જગ્યામાં આવીને ઉતારો કરી તળાવમાં સ્નાન કરવા સર્વે ગયા. ત્યારે સર્વેની આગળ ઘનશ્યામ મહારાજ સ્નાન કરીને બહાર આવી કપડાં પહેરી હાથમાં નેતરની સોટી લઈને ઉભા રહ્યા. તે વખતે તળાવની પાળ્ય ઉપર રાજાના સેવકો મોટું આંબાનું વૃક્ષ ખોદીને સવારથી પાડતા હતા. તે આંબો પડતાં તેની નીચે પાંચ માણસો દબાઈ ગયાં. તેને જોઈને ઘનશ્યામ મહારાજ તત્કાળ પોતાનો હાથ લાંબો કરીને સોટી વડે આંબાને ઉંચો કરીને તે પાંચે આદમીની રક્ષા કરી અને તેઓને બહાર કાઢ્યા. ત્યારે તેઓ આનંદ પામી ઘનશ્યામ મહારાજને પગે લાગીને ભગવાનપણાનો નિશ્ચય કરીને તે વાત પોતાના રાજા વિગેરેને કહી. તેવું ચરિત્ર કરીને પોતાના દાદાની સાથે કુંજગલીમાં આવ્યા એટલે ત્યાં ઠાકોરજીની આરતી થઈ, ત્યારે ઘનશ્યામ મહારાજ સહિત ધર્મદેવ આવીને આરતી કરવા લાગ્યા. તે સમયે હજારો માણસોને દેખતાં સિંહાસન ઉપરથી શ્રીકૃષ્ણની મૂર્તિ તત્કાળ હેઠે ઉતરી આવી અને ઘનશ્યામ મહારાજને પગે લાગીને પુષ્પનો હાર પહેરાવીને પછી પોતાના સિંહાસન ઉપર જઇને ઉભી રહી. તેવું મહા અદ્ભૂત ચરિત્ર જોઇને પુજારી રામદાસ આદિક સર્વે જન બોલ્યાં જે, અહો, જુઓ તો ખરા ! અમોને આટલાં વર્ષ પૂજા કરતાં થયાં પરંતુ કોઇ દિવસ આવું ચરિત્ર તો જોયું નહિ. માટે આ તો સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયાછે કે શું ? એમ જાણીને સર્વે મનુષ્યો ઘનશ્યામ મહારાજને પગે લાગ્યાં અને તે આંબાની વાત ગુમાનસિંહ તથા ચંદુસિંહ તથા રાણી ભગવંત કુંવરબાઇએ ધર્મદેવને પોતાના દરબારમાં બોલાવીને પૂછ્યું જે, હે હરિપ્રસાદજી ! આ મારા માણસો આંબો પાડતાં દબાઈ ગયા તેની રક્ષા કરીને બહાર કાઢયા તે તમારા કયા પુત્ર છે ? તેવું સાંભળીને ધર્મદેવ ઘનશ્યામ મહારાજના મસ્તક ઉપર હાથ મૂકીને બોલ્યા જે, આ પુત્ર છે. તેમને જોઈને રાજાએ કહ્યું જે, અહો ! આ તો બેટા છોટા હૈ. માટે રખેને રામચંદ્રજી હોય. જો તે રામચંદ્રજી હોય તો તેમના ચરણમાં સોળ ચિહ્નો હોય અને તેમને છાયા ન હોય અને આજાનબાહુ લાંબા હોય. એમ કહીને પોતે ચોકમાં જઈને ઘનશ્યામ મહારાજને બોલાવ્યા, ત્યારે પોતે ઓસરીમાં બેઠા હતા ત્યાંથી ઉઠીને ચોકમાં આવીને રાજાની સમીપે ઉભા રહ્યા. ત્યારે છાયા રાજાએ દેખી નહિ અને સોળ ચિહ્ન સહિત ચરણારવિંદ તથા આજાનબાહુ લાંબા જોઈને પોતાના બે હાથ જોડીને સ્તુતિ કરી, રામચંદ્રજી ભગવાનપણાનો નિશ્ચય કરી, પોતાના કુળ સહિત આશ્રિત થયો. ત્યારબાદ ઓસરીમાં ઢોલિયો ઢળાવીને તેના ઉપર ભારે રેશમનું ગાદલું તકિયા સહિત નંખાવીને ધર્મદેવ સહિત બે ભાઇને વિરાજમાન કર્યા. અને કીનખાપની ડગલી પહેરાવીને ટોપી, સુરવાલ એ ત્રણ વસ્ત્ર પહેરાવતા હતા. અને તેના ઉપર મોતીની માળા સહિત એક ઉતરી પહેરાવી, ચંદન પુષ્પ વડે પૂજા કરીને આરતી ઉતારી પગે લાગ્યો. ત્યારબાદ દરબારમાંથી ઉઠીને ધર્મદેવ પોતાના ઉતારે આવીને સર્વ સામાન ગાડામાં ભરીને, પાછા ત્યાંથી બીજે દિવસે ચાલ્યા તે પોતાને ઘેર આવ્યા. ત્યારે બળદેવપ્રસાદજી આવું મહા અદ્ભુત ઐશ્વર્ય જોઈને ઘેલા તરવાડી, સુબોધ તરવાડી, નવલકિશોર આદિક સર્વે પુરવાસીને તે વાર્તા કહેતા હતા.
🍃🍃🌼🍃🍃
##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા