🍃🍃🌼🍃🍃
🥀પોષ સુદ - ૧૧ પુત્રદા એકાદશી.
યુધિષ્ઠિરે પૂછયું :- હે શ્રી કૃષ્ણ ? પોષ સુદ એકાદશીનું શું નામ છે ? તેનું વ્રત કરવાથી શું ફળ મળે ? આ બધું મને વિસ્તારથી કહો.
શ્રી કૃષ્ણ કહે છે :- હે યુધિષ્ઠિર ? આ એકાદશી નું નામ પુત્રદા એકાદશી છે. તેના અધિદેવ નારાયણ સર્વે સિદ્ધિને આપનારા છે. આ એકાદશીનું વ્રત કરવાથી વિદ્યા - યશ - લક્ષ્મી અને પુત્ર પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના મહિમા ની કથા તમે સાંભળો.
પૂર્વે ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન રાજા હતા. તેને શૈબ્યા નામે રાણી હતી. તેમને ઘણા વર્ષો સુધી પુત્ર થયો નહિ. તેથી બંને દંપતી ખૂબ જ ઉદાસ રહેતા. રાજ્યમાં ઘણી સુખ સમૃદ્ધિ હોવા છતાં ક્યાં મન લાગતું નહિ. રાજા ને મનમાં વિચારો આવતા કે પુત્ર વિના જન્મ વૃથા છે. પુત્ર વિના દેવ - મનુષ્યનું ઋણ ઉતરતું નથી. જેના ઘરમાં પુત્ર - પૌત્રાદિક પરિવાર હોય તે ભાગ્ય શાળી ગણાય.
પછી એક દિવસ રાજા ઉદાસ થઈને વનમાં નીકળી ગયા. મનમાં જ વિચાર કરે કે મેં ઘણાય યજ્ઞો કર્યા. બ્રાહ્મણોને અન્ન - ધન - વસ્ત્રો - ગાય આદિકના ઘણાય દાન કર્યા. પ્રજાનું પુત્રવત પાલન કર્યું. તો પણ મને પુત્ર પ્રાપ્તિ થઈ નહિ. આમ વિચાર કરતા વનમાં અનેક જાતના પશુ - પક્ષીઓ - વૃક્ષ - વેલી - નદી - ઝરણાં વગેરે જોતા જોતા આગળ જાય છે તેવામાં બપોર થઈ ગયા. ખૂબ તરસ લાગી. આગળ જતાં સુંદર સરોવર જોયું. સ્વચ્છ પાણી અને કમળો ખીલેલા. રાજ હંસો આવે જાય. તે જોઈને રાજા ત્યાં ગયા ત્યાંતો વેદ મંત્રનો જાપ કરતા કેટલાક ઋષિ મુનિઓ જોવામાં આવ્યા. રાજા એ ઘોડા ઉપરથી ઉતરીને નમસ્કાર કર્યા ને પૂછ્યું કે હે તપસ્વી મુનિઓ આપ કોણ છો ? આપનો પરિચય આપવાની કૃપા કરો !!
મુનિઓ બોલ્યા :- રાજન ? અમો વિશ્વદેવો છીએ. અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ. અમે તમારા ઉપર પ્રસન્ન છીએ. માટે તમારા મનમાં જે હોય તે કહો. રાજાએ કહ્યું :- હે તપસ્વી મુનિઓ ? હું ઘણા સમયથી પુત્ર પ્રાપ્તિ માટે ઉપાય કરૂં છું પરંતુ મને પુત્ર નથી. તો તેનો કોઈ ઉપાય બતાવો. મુનિઓ કહે - રાજન ? આજે પુત્રદા એકદશી છે. માટે તમે આ ઉત્તમ વ્રત કરો. ભગવાન વિષ્ણુની કૃપા અને અમારા આશીર્વાદથી તમને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. આ સાંભળીને રાજાએ મુનિઓ સાથે વ્રત કર્યું ને ઉપવાસ કરીને વિષ્ણુભગવાનનું અને મુનિઓનું પૂજન કર્યું. પ્રભુ સ્મરણ કરતા રાત્રી પસાર કરી. સવારે ફળાહાર નું પારણું કરીને મુનિઓ ને વારંવાર નમસ્કાર કરીને પોતાને ઘરે આવ્યો.
આ પુત્રદા એકાદશીના વ્રત ના પુણ્યથી સમય જતા સુંદર સ્વસ્થ્ય પુત્રનો જન્મ થયો. તે મોટો થઈને માતા - પિતાને સુખ આપનારો અને યશસ્વી થયો. જ્યારે તેને રાજ્ય નો ભાર સંભાળ્યો ત્યારે ધર્મ પૂર્વક ખૂબ સારી રીતે પ્રજાનું પાલન કરતો. સુકેતુમાન પુત્ર સુખ ભોગવી ને અંતે ભગવાનના ધામને પામ્યો.
શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ? જે કોઈ મનુષ્ય આ એકાદશીનું વ્રત કરશે તે પુત્ર સુખ ભોગવીને ભગવાનના ધામમાં જશે. અને આ કથાનો પાઠ કરશે અથવા સાંભળશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે.
આવી રીતે ભવિષ્ય પુરાણમાં પોષ સુદ - ૧૧ પુત્રદા એકાદશી નું મહાત્મ્ય કહેલું છે.
🍃🍃🌼🍃🍃 #એકાદશી #એકાદશી ની શુભકામના


