🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે એકાદશીના દિવસે ઘનશ્યામ મહારાજ સહિત ધર્મદેવ રામસાગર તળાવમાં સ્નાન કરવા માટે ગયા. તે વખતે ધર્મકુંવર નવરંગા આંબાના વૃક્ષ નીચે પોતાના સખાઓની સાથે ઘડી એક બેસીને ધર્મદેવ સ્નાન કરતા હતા ત્યાં જઈને જળમાં સ્નાન કરવા લાગ્યા. તે સમયે એક અસુર પોતાના પૂર્વના વેરને સંભાળતો અને ભગવાનને મારવાનો સંકલ્પ કરીને મઘર સ્વરૂપે આવ્યો, ત્યારે તેને અન્તર્યામીપણે જાણીને તે જળ થકી પોતે બહાર નીકળી ગયા. ત્યારે તે અસુર ઘનશ્યામ મહારાજની ભ્રાંતિથી પીરોજપુરના બૈજુ તરવાડી સ્નાન કરતા હતા તેનો પગ પકડયો. એટલે બૈજુ તરવાડી તો એકદમ બુમ પાડી બોલ્યો જે, હે ભાઈ ! મને તો મઘરે ઝાલ્યો છે, તે સાંભળીને બીજા સર્વે જનોએ ધર્મદેવને તો બહાર બોલાવી લીધા. અને તે બૈજુ તરવાડીનો બાપ આનંદ તરવાડી તો કિનારે ઉભા રહીને ઘનશ્યામ મહારાજને કહેવા લાગ્યા જે, હે ભાઈ ઘનશ્યામ ! આ વખતે બૈજુની મઘર થકી રક્ષા તમો કરશો તો થશે. નહીં તો જરૂર મઘર એને લઈ જશે. તેવું સાંભળીને કૃપાળુ શ્રીહરિ તો તળાવના કિનારે હાથમાં સોટી ઝાલીને ઉભા હતા, તે તત્કાળ પોતાનો હાથ લાંબો કરીને ત્યાં ઉભા સતા, તે બૈજુ તરવાડીને તે મઘર સહિત પાણીમાંથી બહાર કિનારા ઉપર નાખીને, એક સોટી જોરથી મારી કે તુરત તે બૈજુ તરવાડીને મૂકી દઈને તે મઘર અસુરનું મૂળ સ્વરૂપ ધારણ કરીને મરણ પામતો હતો. ત્યારે તે બૈજુ તરવાડી મઘર થકી મૂકાઇ ગયા અને ઊભા થઈને ધર્મકુંવરને બે હાથ જોડીને વિનંતી પૂર્વક પગે લાગીને સ્તુતિ કરતા સતા એમ બોલ્યા જે, હે ઘનશ્યામ ! તમોએ મને આ મઘર થકી મૂકાવ્યો. નહીં તો હું મરણ પામત. માટે તમો સાક્ષાત્ ઇશ્વરના ઇશ્વર છો. એમ બોલતા હતા. અને સર્વજન કહેવા લાગ્યા જે, અહો ! આતો હરિપ્રસાદ પાંડેના પુત્ર તેતો સાક્ષાત્ ભગવાન છે. નહીં તો માણસથી સોટી વડે આવું થાય નહીં. તેમાં પણ આ તરવાડી જીવ્યા અને અસુર મરણ પામ્યો. આ યોગ દૈવી ઇચ્છાથી બન્યો. એમ કહી સર્વે પગે લાગીને પોતપોતાના ઘેર ગયાં. હે રામશરણજી ! આ રામસાગર તળાવ પૂર્વે રામચંદ્રજી ભગવાને ખોદાવીને બનાવ્યું છે. તેથી તળાવનું નામ રામસાગર છે. અને ઘનશ્યામ મહારાજ પણ બાળપણામાં આ તળાવની ચારે કોરે ફરતાં ઘણીક લીલા કરી છે અને પોતાના પિતા ધર્મદેવ સહિત બહુવખત આ તળાવમાં નાહ્યા છે. અને આ રામસાગર તળાવ મહા પ્રસાદીનું છે. તેમાં આવીને જે કોઇ મનુષ્ય સ્નાન કરીને દેવ તથા પિત્રીને જળ વડે તર્પણ કરશે અને આ રામસાગરના કાંઠે એક ઉપવાસ કરીને, ધર્મદેવને સંભારીને સાધુ બ્રાહ્મણનું પૂજન કરી તેમને જમાડશે, તે મનુષ્ય સર્વે પાપથી મૂકાઈ જશે.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


