🍃🍃🌼🍃🍃
બાળ ચરિત્ર....
વળી એક સમયે રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને સાથે લઈને અયોધ્યાપુરી જતાં વચમાં મખોડા ઘાટે આવ્યા. ત્યારે તે ગામ ઉથલપાથલ થવાથી ત્યાં મોટું એક વૈરાગીનું મંદિર થતું હતું. ત્યારે મંદિરનો પાયો ખોદતાં મોટી સુવર્ણની તોપ પ્રથમ દશરથ રાજાના વખતની નીકળી. તે વાતની અયોધ્યાના રાજા દર્શનસંગને જાણ થઇ એટલે તે તોપ લેવા માટે પોતાના નોકરોને બોલાવીને કહ્યું જે, તમારે વસ્તુ જોઇએ તે લઇ જાઓ. પરંતુ તે તોપ અહીં લાવો, નહિ તો તમારી કલમ કપાઈ જશે. તેવું સાંભળીને એક મોટું લોખંડનું ગાડું લીધું અને દશ જોડી બળદ લીધા અને પચાસ માણસોને પંદર દિવસની ખર્ચી લઇને તે સર્વે મખોડા ઘાટે આવીને તે તોપને ગાડા ઉપર ચડાવવા સારૂં મહેનત કરતા હતા. તેને જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે ભાઈ ! આ સર્વે ભેગાથઈ ને શું કરે છે ? ત્યારે તે વાતનો નિશ્ચય કરવા ભાઇએ સિપાઇઓને પૂછી જોયું. ત્યારે પોતાનું વૃતાન્ત કહી બતાવ્યું. તે સાંભળીને ઘનશ્યામ મહારાજને દયા આવી ગઈ. અને વળી તે સિપાઇને વેષે કેટલાક બ્રાહ્મણ હતા તે સર્વે એમ બોલ્યા જે, અમારી લાજ તો ભગવાન રામચંદ્રજી રાખે તો રહે. એમ કહેતા સતા ઉદાસ થઇ ગયા. તે જોઈને શ્રીહરિ બોલ્યા જે, હે ભાઈ! તમો કહેતા હો તો આ તોપને હું ગાડા ઉપર ચઢાવી દઉં. તેવું સાંભળીને મહા આનંદ પામતા સતા કહેવા લાગ્યા જે, હે ભાઈ ! એમ જો થાય તો અમો સર્વે મદદમાં રહીએ. ત્યારે કહ્યું જે તમો સર્વે દૂર જાઓ. એમ કહે છે તેટલામાં તો તેમાંથી બે ચાર સિપાઈ બોલી ઉઠ્યા જે, અરે ભાઇઓ ! તમારું તે હૈયું ફૂટી ગયું છે કે શું ? આપણે આવા જુવાન જોધા જેવા પચાસ, આદમી કેટલાક દિવસથી મથામણ કરીએ છીએ અને આ નાનું બાળ શું આ તોપને ચઢાવી શક્શે ? તેવું સાંભળીને શ્રીહરિ તત્કાળ પોતે સર્વે જનોને પોતાનું ચતુર્ભુજ રામચંદ્રજી રૂપે દર્શન આપતા હતા અને તત્કાળ તોપને એક હાથથી ઉપાડીને ગાડામાં મૂકી દેતા હતા. આવી રીતનું મહા અદ્ભૂત ઐશ્વર્ય જોઈને તે સર્વેજન બોલ્યા જે, અહો, ભાઈઓ આતો સાક્ષાત્ આપણા ઇષ્ટદેવ શ્રીરામચંદ્રજી આપણી સહાય કરવા આવ્યા છે. એમ જાણીને સર્વે જનો વિનંતીપૂર્વક પગે લાગતા હતા. એટલામાં તો પોતે ઘનશ્યામરૂપે થઈને રામપ્રતાપભાઈને સાથે લઇને અયોધ્યાપુરી ગયા. અને તે તોપવાળા તો મહા પ્રયત્ને તોપને સરયૂ-ગંગાના કિનારે લાવ્યા અને વહાણમાં ચડાવવા નીચે ઉતારી કે તુરત સર્વેના દેખતાં રેતીમાં ઉતરી ગઈ. તેનો ફરીથી કયાંય પત્તો લાગ્યો નહીં. તે જોઈને સર્વે લોકો વિસ્મય પામ્યા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


