🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયને વિષે ત્રીજા પહોરના સમયે ઘનશ્યામ મહારાજ ચંદનબાઇ પ્રત્યે બોલ્યા જે, હે માસી ! મને તો આજે ભૂખ લાગી છે માટે ખાવાનું આપો. ત્યારે કહ્યું જે, ભાઈ ! હમણાં તમોને આ કમોદના પૌઆ અને દહીં આપું તે જમો અને થોડા સમયમાં રસોઇ તૈયાર થશે તે જમજો. ત્યારે બોલ્યા જે, ના અમોને તો અત્યારે જ શાક અને રોટલીઓ બનાવી આપો. ત્યારે ચંદનબાઇ રસોડામાં જઇને ચૂલામાં દેવતા સળગાવીને પરવળનું શાક વઘારી, લોટ બાંધીને રોટલી વણવા સારૂં પથ્થરની આડણી વેલણ ટાંકામાં મૂકેલાં હતાં તે લઈને નીચે મૂકવા ગયાં. ત્યારે તુરત જ હરિઇચ્છા થકી આડણી હાથમાંથી પડી ગઈ અને તેના ચાર કકડા થઇ ગયા. તે જોઈને પોતે ઉદાસ થઈ ગયાં, તેમને ઉદાસ થયેલાં જોઇને બોલ્યા જે, હે માસી ! તમો ચિંતા શા માટે કરો છો? જુઓને! આડણી તો સાજી છે, કાંઈ ભાંગી નથી, એમ કહી પોતાના હાથમાં લઈને માસીને આપી. તે જોઈને મહા આશ્ચર્ય પામતાં સતાં રોટલી શાક કરીને અતિ હેતે સહિત જમવા બેસાડયા. તે વખતે માણેકધર તથા ઇચ્છારામજી એ બન્ને જણ આંગણામાં રમતા હતા તે ઘનશ્યામ મહારાજને જમતા જોઈને ત્યાં આવીને બોલ્યા જે, હે માતા! અમોને પણ ભૂખ લાગી છે, માટે અમોને પણ રોટલી ને શાક આપો. ત્યારે બોલ્યા જે શાક ને રોટલી તો ઘનશ્યામભાઈને આપી. હવે તો આ કમોદના પૌઆ તથા દહીં છે તે તમો જમો. ત્યારે બોલ્યા જે, એતો અમારે નથી જમવા. એમ કહીને ત્રણે જણ રીસ કરીને પાછા ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજ જમતાં જમતાં બોલ્યા જે, ભાઈ માણેકધર ! તમો પાછા આવો, આપણે ચારે જણ ભેગા જમીએ. ત્યારે તેઓ બોલ્યા જે, હવે જમી રહ્યા પછી ? ત્યારે બોલ્યા જે, અરે ભાઇ ! હું તો હમણાં હાલ જ બેઠો છું. અને હજી તો આ શાક ટાઢુયે થયું નથી. તમો ન માનો તો આ માસીને પૂછી જુઓ. તેવું સાંભળીને ત્રણે જણ પાછા આવીને ભેગા બેસીને જમવા લાગ્યા. ત્યારે ચંદનમાસી બોલ્યાં, હે ઘનશ્યામ ! આ બે રોટલી છે તેમાં તમો શું જમશો ? અને તેઓ શું જમશે ? ત્યારે બસ્તી બોલ્યો જે, હે માસી ! આતો ઘણી રોટલી છે. ત્યારે કહે જે ભલે, હોય તો જમો. એમ કહેતાં ચારેજણ જમી ચળુ કરીને ઉઠ્યા તો પણ થાળીમાં બે ને બે રોટલીઓ આખી દેખીને મહા આશ્ચર્ય પામતાં હતાં. આ વાર્તા પોતાની બહેન ભક્તિમાતા તથા વસંતાબાઈ, સુવાસિનીબાઈ વગેરેને કહેતાં હતાં. તે સાંભળીને સર્વે આશ્ચર્ય પામતાં હતાં.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


