🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક દિવસે ધર્મદેવના આંગણામાં નગારાં વગાડનાર નટ આવ્યા. તે પોતાની રમતના ખેલ કરીને સર્વે જનોને રીઝવતા હતા.
તેને જોવા સારું ઘનશ્યામ મહારાજ ઇચ્છારામે સહિત હુલાબજાર-ફકીરી, વેણી, માધવ અને પ્રાગ એ આદિક બીજા કેટલાક સખાઓ આવીને ઘણા સમય સુધી તે રમતને જોતા હતા. પછી ધર્મદેવે તથા મોતી તરવાડીએ પોતાના ઘેરથી શીખ આપી. તે લઈને નટો ત્યાંથી ચાલ્યા તે ગામ પીરોજપુરમાં ગયા. ત્યારે પોતે સખાઓ સહિત તે નટની પાછળ જોવા સારૂં ગયા. ત્યાંતો આનંદ તરવાડીના આંગણે તે નટ રમવા લાગ્યા, તે કેટલીકવાર સુધી જોઇને પાછા વળ્યા. તે સોનીના બગીચામાં થઈને દુંદ તરવાડીના બહીરી કૂવા ઉપર આવીને બેસતા હતા. તે સમયે કોઈને ખબર ન હોવાથી ઇચ્છારામભાઈ તો કૂવામાં પડી ગયા. તે જોઇને જુડાવર નામનો વણિકનો છોકરો તત્કાળ એકદમ બૂમો પાડવા લાગ્યો જે, હે ઘનશ્યામભાઈ ! ઇચ્છારામભાઇ તો કૂવામાં પડી ગયા. એવું સાંભળીને ઘનશ્યામ મહારાજે તત્કાળ કૂવા સામું જોયું, કે તરત કૂવામાંથી પાણી સર્વે પાતાળમાં ઉતરી ગયું. ત્યારે ઇચ્છારામ-ભાઇ કૂવામાંથી બોલ્યા જે, મને તો કંઈ વાગ્યું નથી. અને કૂવામાં પાણી પણ નથી. એમ કહે છે તેટલામાં તો ધર્મદેવને ઘરે ખબર પડી કે તરત આવ્યા. અને બોલ્યા જે, હે ઘનશ્યામ ! ઇચ્છારામ ક્યાં છે ? તેવો પોતાના દાદાનો શબ્દ સાંભળીને કૂવામાં રહ્યા થકા બોલ્યા જે, હે દાદા! હું તો આ કૂવામાં છું અને મને ઘનશ્યામના પ્રતાપથી કંઈ વાગ્યું નથી.
તમો કોઇ ચિંતા કરશો નહીં. એમ કહે છે તે સમયમાં સર્વેને દેખતાં ઘનશ્યામ મહારાજે પોતાના બે હાથ લાંબા કરીને ઈચ્છારામને કૂવામાંથી બહાર કાઢ્યા કે, તુરત કૂવામાં પાછુ પાણી એકદમ ભરાઇ ગયું. તે ચરિત્ર જોઈને સર્વે જનો મહા આશ્ચર્ય પામતાં સતાં પોતપોતાને ઘેર ગયાં. ત્યાર પછી સુવાસિનીબાઈ કહેવા લાગ્યાં જે, હવે તો આપણા ઘરને સમુ કરાવવા સારૂં વાંસ કપાવવા છે. માટે એક જણ જાઓ તો ઠીક. ત્યારે ભક્તિમાતાએ કહ્યું જે હા, એ ખરું કહે છે, જઈને વાંસ લઇ આવો. ત્યારે વાંસ લેવા સારૂં મોતી તરવાડી ગાડું જોડાવીને પોતે રામપ્રતાપભાઈ તથા ઘનશ્યામ મહારાજ મોતી તરવાડીને સાથે લઇને ચાલ્યા, તે ગામ નરેચાના રાજા સન્માનસંગની હવેલી પાસે થઈને કલ્યાણ સાગર તળાવના ઉત્તરાદા કિનારા તરફ જઈને તે વાંસને કપાવીને રામપ્રતાપભાઈ ગાડાંમાં ભરાવતા હતા. તે સમયે ઘનશ્યામ મહારાજે સર્વેને દેખતે સતે પોતાના ડાબા હાથથી એક મોટો તેર વાંભનો વાંસ મૂળમાંથી ઉપાડીને તે ગાડાં ઉપર મૂકી દીધો. તે ચરિત્ર જોઇને તે ગામના રાજા સન્માનસંગ તથા ઓરાપાંડે તથા ક્રિપારામ વગેરે કેટલાક જન ત્યાં ઉભા હતા તે મહા આશ્ચર્ય પામતા બોલ્યા જે, અહો ભાઈઓ! જુઓ તો ખરા ! આ હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામ પ્રસાદમાં કેટલું બળ છે ? આવો જબરો વાંસ મૂળમાંથી ઉપાડીને ગાડાં ઉપર મૂકી દીધો, તેમ બોલતા સતા પગે લાગીને પોતપોતાના ઘેર ગયા અને મોતી તરવાડી વગેરે સર્વે છપૈયાપુરમાં આવીને તે ચરિત્રની વાર્તા સર્વે પુરવાસી જનને કહી.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા