c.j. jadav
1.6K views
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           ત્યાર પછી ધર્મદેવના મનમાં એવો વિચાર થયો જે, હવે તો આ છપૈયાપુર મૂકીને શ્રીઅયોધ્યાપુરીમાં જઈને રહેવું. એમ વિચાર કરતા સતા, રામપ્રતાપભાઈને સાથે લઈને ગામ શરણામગંજની બજારે જઇને વણિક સર્જુપ્રસાદની દુકાને પોતાનું લેવડ દેવડનું નામું હતું તેના સર્વે પૈસા ચૂકવી દેતા હતા. પછી ત્યાં થકી ઘેર આવીને ધીરે ધીરે સગાં સંબંધીને મળીને તૈયાર થઈ, સરસામાન ગાડાંમાં ભરીને ચાલ્યા. તે સમયે સર્વે પુરવાસીજન વળાવવા આવ્યા. તે નારાયણ સરોવરના કિનારે આવીને સર્વેને પરસ્પર મળીને વળતા હતા. અને ધર્મભક્તિ પોતે પોતાના પરિવાર સહિત ત્યાં થકી ચાલ્યાં. તે અયોધ્યાપુરીમાં આવીને બરહટ્ટા શાખાનગરમાં પોતાના નિવાસ્થાને આવીને રહેતાં હતાં. ત્યાર પછી કોઇક દિવસે ઘનશ્યામ મહારાજ પોતાના મનમાં વિચાર કરતા થકા, હંમેશાં પોતાના ઘરથી ઉત્તર તરફ થોડેક દૂર ઉદયરાજ તિવારીના ઘરના આંગણે ભટેશ્વર મહાદેવના મંદિરમાં એકાંત જોઈને પોતે બપોરના સમયમાં શયન કરતા હતા. તે સમયે એક દેવીબકસ નામનો કાયસ્થ શિવજીનો ઉપાસક હતો. તે હંમેશાં શિવજીનાં દર્શન કરવા આવતો હતો. તે દર્શન કરીને ગાલ વગાડીને નાચ કરતો હતો. તે શિવજી પાસે એમ માગે જે, હે ભોળાનાથ ! તમો દયાળુ છો અને સેવકનું પ્રતિપાલન કરનારા છો. માટે હે દયાળુ ! મને દયા કરીને હવેથી કોઇ દિવસ મનુષ્યનો અવતાર દેશો માં, કેમકે, આ દેહે કરીને ત્રાંબુ ખાઈને હું ઘણો હેરાન થયો. પરંતુ બરાબર વિષયસુખ લોકલાજે કરીને ભોગવાતું નથી. માટે હવે તો નિરાશ થઇ ગયો છું. અને જો મારી સેવાથી રાજી થયા હો તો તમારી પાસે એ માગું છું જે, મને તો જન્મોજન્મ લંબકર્ણનો અવતાર આપજો. કારણ કે, કોઇની મર્યાદા રાખ્યા સિવાય સારી પેઠે વિષયસુખને ભોગવું, હે દયાળુ ! તમો જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો આ મારો માગેલો વર મને આપજો. આવો વર માગીને હંમેશાં તે કાયસ્થ ઘરે જઈને ભોજન કરતો. આવો વિષયને વિષે લુબ્ધ અને દુષ્ટ બુદ્ધિવાળો જે કાયસ્થ તેને જોઇને સાંભળીને શ્રીહરિ વિચાર કરવા લાગ્યા. જે આવા દુષ્ટ જીવ જગતમાં કેટલાય હશે. માટે હવે હું મારા માતાપિતાને દિવ્યગતિ આપી ને એવા વિષયલમ્પટ જીવોને ઉપદેશ કરીને નિર્વાસનિક કરું અને ભગવાન તથા સંતના દ્વેષી અને અધર્મી અસુરોને ખોળીને નાશ કરાવું. એવો વિચાર કરી તે મંદિરમાંથી ઉઠીને પોતે ઘેર આવતા હતા. પછી પોતાના ઘરના આંગણે મોટા કદમના વૃક્ષ નીચે ઉદાસ થઇને બેઠા. તે જોઇને ધર્મદેવ બોલ્યા જે, બેટા ઘનશ્યામ ! તમો એકલા ઉદાસ થઈને કેમ બેઠા છો ? ત્યારે એમ બોલ્યા જે, હે દાદા ! હું તો ઉદાસ નથી, ઇતિહાસને વિચારું છું. એમ કહીને ત્યાં થકી ઊઠીને ઓસરીની જેર ઉપર આવ્યા. ત્યાર પછી બીજા દિવસે ધર્મદેવ ઘનશ્યામ મહારાજને સાથે લઈને વિદ્યાકુંડના મંદિરમાં દર્શન કરવા ગયા. તે સમયે તે મંદિરમાં એક બ્રાહ્મણ વ્રજવિહારી નામનો અંધ શાસ્ત્રી હતો તે વાલ્મીકી રામાયણની કથા પુસ્તક વિના મુખે બોલીને કરતો હતો, તે સાંભળવા માટે ત્યાં બેઠા. ત્યારે કથામાં રૂડી વૈરાગ્યની વાર્તા આવી. તે સાંભળીને શ્રીહરિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા જે, અહો ! આ રામચંદ્રજી વનમાં ગયેલા તે બહુ સારી વાર્તા છે, માટે મારે પણ માતાપિતાને સદ્ગતિ આપીને ઘરનો ત્યાગ કરીને વનમાં જવું. એમ વિચાર કરતા સતા તે શાસ્ત્રીને ભાગવતના બે ચાર શ્લોક બોલીને પ્રશ્ન પૂછતા હતા.ત્યારે કહ્યું જે હમણાં કથામાં ભંગ પડે છે, તમારે પૂછવું હોય તો મારા ઘરે આવજો. ત્યારે શ્રીહરિ બોલ્યા જે શાસ્ત્રની વાત ખૂણે હોય નહિ. ત્યારે સભામાં બેઠેલા કેટલાક જન બોલ્યા જે, હે ઘનશ્યામ ! આને આવડતું નથી તે એના ઉપાય કરે છે, જે મારે ઘેર આવજો. એમ કહે છે. માટે હવે એ વાત પડતી મૂકો. તેવું સાંભળીને ત્યાં થકી દર્શન કરીને પોતાના પિતા સાથે ચાલ્યા એટલે સર્વે સભાના જનોએ કહ્યું જે, હે શાસ્ત્રી બાવા ! એ ઘનશ્યામ તો મહા વિદ્વાન છે અને બહુ ચમત્કારી છે. તેથી કેટલાક તેને ઈશ્વર અવતાર માને છે. એમ કહેવાથી તે શાસ્ત્રી પોતાના શિષ્યનો હાથ ઝાલીને તત્કાળ ઘનશ્યામ મહારાજની પાસે આવીને નિર્માની થઇ પગમાં પડીને સ્તુતિ કરવા લાગ્યો જે, હે ઘનશ્યામબાબુ ! તમો તો સાક્ષાત્ ઇશ્વર છો. એમ કહીને વળી હે મહારાજ ! તમો મારા ઉપર દયા કરીને દેખતો કરો. ત્યારે ઘનશ્યામ બોલ્યા જે, અમો તો આંધળાને દેખતા કરતા નથી. ત્યારે તે અતિ નિર્માની થઈને બોલ્યો જે, અરે બાપજી ! એક દિવસે તમો શ્રવણ તલાવડીએ સ્નાન કરવા ગયા હતા તે સમયે કેટલાક સુરદાસ માગી ખાતા હતા. તેમને પણ તમોએ દેખતા કર્યા હતા.માટે હે ઘનશ્યામ ! તમો પૂર્ણપુરૂષોત્તમ ભગવાન છો. મને આ વખતે દેખતો કરો. ત્યારે દયાળુ શ્રીહરિએ પ્રસન્ન થઈ તેનું નિર્માનીપણાનું વચન સાંભળીને તેના સામી દ્રષ્ટિ કરી, કે તુરત તે બ્રાહ્મણ બન્ને નેત્રે દેખતો થયો. પછી તેને ચતુર્ભુજ રામચંદ્રજી રૂપે દર્શન દીધું, તે મહા આનંદ પામતો સતો પગે લાગીને પાછો તે મંદિરમાં ગયો. આવી રીતનો પ્રતાપ જોઇને અવધપુરવાસીજન મહા આશ્ચર્ય પામતાં હતાં.                               🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર