🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
ત્યાર પછી અયોધ્યાપુરીમાં રહેતા થકા એક દિવસે શ્રીઘનશ્યામ મહારાજ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા જે, હવે મારે ઘરમાંથી નીકળીને વનમાં જવું છે. તો શી રીતે નીકળવું તેની તપાસ કરીને નિમિત્ત લાવવા માટે પોતાના સખાઓ સહિત હનુમાનગઢી, જન્મસ્થાનકે થઈને કનકભુવન મંદિરે જતા હતા અને ત્યાં દર્શન કરીને પાછા વળ્યા, તે ઘેર આવતાં વચ્ચે આંબલીઓના બગીચામાં કેટલાક મલ્લરૂપે અસુરો સામા આવીને ઘેરી લેતા હતા. ત્યારે તે મલ્લ અખાડામાં ઉભા રહીને સર્વે મલ્લો સાથે કુસ્તી કરવા લાગ્યા. ત્યારે સર્વે મલ્લને મહાવજ જેવા કરડા દેખાયા તેવા સતા, સત્યાવીસ મલ્લના અહંકાર ઉતારીને છિન્નભિન્ન કરતા સતા એકદમ ત્યાં થકી ઉતાવળા પોતાના ઘેર આવતા રહ્યા. ત્યારે તે મલ્લનાં સગાં વહાલાં માબાપ ભેગાં થઈને રામપ્રતાપભાઈને કહેવા આવ્યાં જે, તમારા ઘનશ્યામે અમારા દીકરાઓને વગર વાંકે માર્યા. એમ આવીને ઠપકો દેવા લાગ્યાં. તેને ઘનશ્યામ મહારાજે પોતે સાંભળતે સતે વિચાર કર્યો જે, હવે આ ઠીક થયું. આમાંથી આપણે ઘરમાંથી નીકળવાનો માર્ગ મળશે. એમ સંકલ્પ કરતા રામપ્રતાપભાઈ શ્રીહરિના સામું જોઈને પોતે વિચાર કરવા લાગ્યા. જે આપણાં માતપિતા તો દેહ મૂકી ગયાં અને હવે આવા ઠપકા ઘનશ્યામ લાવશે તો આપણી લોકમાં ઈજ્જત જશે. એમ મોટાભાઇના મનનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને ઘનશ્યામ મહારાજ મર્મ કરીને બોલ્યા જે, હે મોટાભાઈ! હવેથી કોઇ દિવસ મારા તરફ થી ઠપકો નહીં આવે. એમ કહીને પોતાનાં ભોજાઈ સુવાસિનીબાઇએ અતિ હેતથી બોલાવ્યા થકા મોટાભાઇએ સહિત જમવા બેસતા હતા. પરંતુ પોતાના મનનો ઘાટ કોઈને જણાવવા દીધો નહિ, એવા થકા ઘરમાં રહ્યા છે. પછી જ્યારે રાત્રિ થઇ ત્યારે પોતાને સાથે લેવાનો જે સામાન તેને તૈયાર કરી રાખીને, બીજે દિવસે સવારના પહોરમાં સરયૂગંગામાં સ્નાન કરવાના નિમિત્તે પોતાના ઘરનો ત્યાગ કરીને કોઈને કહ્યા વિના ચાલી નીકળ્યા. ત્યારે પોતાની પાસે શી શી વસ્તુ છે, તો બાળમુકુંદનો બટવો તે કંઠમાં ધારણ કરી રહ્યા છે. તથા ડાબા ખભાને વિષે આઠ સત્શાસ્ત્રનો ગુટકો ધારણ કર્યો છે જેમણે એવા, અને જલગરણા સહિત કમંડલુ ધારણ કર્યું છે. જેમણે એવા થકા, હાથમાં તુલસીની માળા ધારણ કરી છે જેમણે એવા, તથા મુંજની કટીમેખલા તથા કૌપીન પહેરીને ઉપર આચ્છાદન વસ્ત્ર ધારણ કર્યું છે જેમણે એવા થકા, બ્રહ્મચારીના વેષે છાનામાના ઉત્તર દિશામાં સરયૂગંગાના રામઘાટ ઉપર જઈને, ત્યાં સામા કિનારે જવા સારું વહાણની રાહ જોઈને કાંઠા ઉપર બેઠા અને ઘડીએ ઘડીએ પાછળ જોતા હતા. જે રખેને ભાઈ આવે તો પાછા લઇ જાય. એવી રીતે ભય પામતા સતા સરયૂગંગા ઉપર બેઠા છે. તેટલામાં તો એક કૌશીદત્ત નામનો અસુર પોતાના સખા કાલીદત્તના વૈરને સંભારતો અને મહા રીસનો ભર્યો આવતો હતો અને શ્રીનીલકંઠ બ્રહ્મચારીને પકડીને સરયૂગંગાના પાણીમાં નાખી દીધા.તેમને દૂર સુધી તણાતા જોઈને પોતાના મનમાં બહુ હર્ષ પામતો સતો તે આવીને પોતાની જાતના કેટલાક અસુરોને વાર્તા કરતો હતો જે, હે ભાઈઓ ! આપણા શત્રુને તો હું સરયૂગંગામાં નાખી દઈને આવ્યો છું, તે હવે તેની મેળે મરી જશે. તેવું સાંભળીને સર્વે અસુર બોલ્યા જે, હે ભાઈ! એ આપણો શત્રુ મરે તેવો નથી. એતો સાક્ષાત્ વિષ્ણુ છે અને બહુ કળાવાળો છે. માટે તે થોડેક દૂર જઇને બહાર નીકળશે. માટે આપણે સર્વે ચાલો એ જ્યાં નીકળે ત્યાં એકલો હશે. ત્યાંથી મારીને પાછા આવીશું. એવા સંકલ્પ કરીને હથિયાર બાંધીને સરયૂના કિનારે કિનારે જતા હતા. ત્યારે તો બાર ગાઉ ઉપર પાણીમાંથી નીકળીને એક મોટા પીપળાના વૃક્ષ નીચે બેઠેલા જોઇને કહેવા લાગ્યા જે, જુઓ ભાઇઓ ! આપણને મારનાર તો જીવતો બેઠો છે. હવે તે લાગમાં આવ્યો છે. એમ કહેતા સતા સર્વે અસુરો નજીક પહોંચ્યા એટલે તેમનો મલીન આશય જાણીને છેટેથી જ કરડી નજરથી તેમના સામું શ્રીનીલકંઠ બ્રહ્મચારી જોતા હતા કે તત્કાળ તે સર્વે અસુરો હરિ ઇચ્છાથી માંહોમાંહી વૈર કરીને પરસ્પર લડી મર્યા.
🍃🍃🌼🍃🍃
##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર