🍃🍃🌼🍃🍃
વળી એક સમયે ઉત્તરાયણના દિવસે ધર્મદેવ પોતાના બે પુત્રો સાથે લઇને મોતી તરવાડી સહિત ઠંડા પાણીથી સ્નાન કરવું તે માટે નારાયણ સરોવરમાં સ્નાન કરવા જતા હતા. તે કરીને સર્વે ઘેર આવીને પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે બ્રાહ્મણોને પુણ્યદાન કરતા હતા. આવો સમય જોઇને પૃથ્વીમાતા પોતે ગાયનું સ્વરૂપ ધારણ કરીને ધર્મકુંવરની પ્રસાદી લેવા માટે ત્યાં આવતાં હતાં. ત્યારે પોતે તાંબાના વાસણમાં ઘુઘરી તથા શીરો ભરીને ગાયને મૂક્યો. પછી ઉપર હાથ ફેરવવા લાગ્યા, ત્યારે તે ગાય શ્વાસ મુકીને રૂદન કરવા લાગી. તે પોતે જાણે છે. પરંતુ સર્વે બીજાને જણાવવા સારૂં તે ગાયને પૂછતા હતા જે, હે ગાયમાતા ! તમો કેમ રૂદન કરો છો ? ત્યારે બોલ્યાં જે, હે મહારાજ ! હું તો પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને તમોને વિનંતી કરું છું જે, મારી ઉપર ઘણું પાપ થાય છે. હવે તમો પાપ ઉતારો તો બહુ સારૂં. તમારો અવતાર એટલા માટે છે. તમો તો ગૌબ્રાહ્મણ પ્રતિપાલ છો. તો તમોને ન કહું તો બીજા કોને કહું ! એમ વાત કરે છે તે સમયમાં વરૂણદેવ અતિદુઃખના ભર્યા પોતાના સ્થાનક જળમાંથી આવીને હાથ જોડીને વિનંતી પૂર્વક કહેવા લાગ્યા જે, હે મહારાજ! અમારા જીરાભારી તળાવમાં ગામ ઇટોલાના મ્લેચ્છો અસુર શેખકલી તથા શીરસા તથા શેખમોતી તથા શેખદુલાર એ આદિક ઘણાક અસુરો એકત્રિત થઇને માછલાં મારીને કિનારા ઉપર ઢગલો કર્યો છે. તે મારાથી જોઇ શકાતું નથી. તે દુષ્ટો થકી મારી રક્ષા કરો. તેવું સાંભળીને અતિશય આવી ગઇ છે દયા જેમને, એવા ધર્મકુંવર તે બન્નેનું દુઃખ સાંભળીને તે પ્રત્યે બોલ્યા જે, હવે થોડાક દિવસમાં તમારું રક્ષણ કરવા સારૂં મારૂં વનવિચરણ થશે. એમ તમો નિશ્ચય મનમાં જાણો. એવી રીતે આજ્ઞા પામીને ત્યાં થકી બન્ને અદ્રશ્ય થઇને પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી ધર્મકુંવર તત્કાળ પોતે બીજા સ્વરૂપે થઈને ત્યાં થકી ગામ ઇટોલાના જીરાભારી તળાવ ઉપર જઈને જુએ છે તો, મહા દુષ્ટનું કર્મ જે, માછલાં મારેલાં તે જોઈને પોતાના મનમાં સંકલ્પ કર્યો જે, આ સર્વે માછલાં સજીવન થઈને પાણીમાં જાઓ. તેવા સંકલ્પની સાથે જ સર્વે માછલાંના ઢગલા ઉછળીને ધડો ધડ પાણીમાં પડતાં હતાં. તે જોઇને તે સર્વે અસુર પરસ્પર બોલવા લાગ્યા જે, અલ્યા ! તેં મારાં માછલાં કેમ પાણીમાં નાખી દીધાં? એમ એકબીજાને કહેતાં પરસ્પર મારામારી થઇ, તેથી સર્વે મરણ પામ્યા. એવી રીતનું પરબારૂં કામ કરાવીને પોતે ઘેર આવી બે સ્વરૂપે હતા તે એક રૂપે થઈ ગયા.
🍃🍃🌼🍃🍃
#અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર