🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે સુવાસિનીબાઈએ ઘનશ્યામ મહારાજને કહ્યું જે, હે ભાઈ ! તમો મંગળ આહીર તથા છીટન આહીર સાથે જઇને આપણી ગાયો નારાયણ સરોવરના કિનારે દક્ષિણ તરફ નેસડામાં છે. તેને દોવરાવી લાવો. તેવું સાંભળીને સાથે જઈને ત્યાં બેઠા અને મંગલ આહીર તથા છીટન આહીર એ બન્ને ગાયો દોહીને માટલાં ભરી ભરી ઘનશ્યામ મહારાજ પાસે મૂકતા હતા અને મંગલ આહીર બીજા દોણામાં દોતા હતા. ત્યારે પોતે તેનાથી છાનામાના દોણામાંથી થોડું દૂધ પીને પાછાં દોણાંને બરાબર પાણી ભરીને સરખાં કરે, તેને મંગલ આહીર જાણે નહિ. એમ કરીને તેની સાથે ઘેર આવે અને સુવાસિનીબાઇ મેળવે ત્યારે દૂધનું દહીં બરાબર જામે નહિ. ત્યારે સુવાસિનીબાઇ બોલ્યાં જે, આ મેળવેલું દૂધ પ્રથમ જેવું જામતું નથી તેનું શું કારણ હશે ? એમ વિચાર કરીને ભક્તિમાતાને પૂછ્યું જે, હે બાઈજી ! હવે થોડાક દિવસથી દૂધ બિલકુલ જામતું નથી, દહીં સારૂં થતું નથી અને ઘીમાં પણ તંગાસ આવે છે. માટે રખેને ઘનશ્યામભાઈ આહીર સાથે દોવરાવવા જાય છે તે દૂધ પીને નારાયણ સરોવરમાંથી પાણી નાખતા હોય તેવું મને લાગે છે. ત્યારે ભક્તિમાતાએ ઘનશ્યામ મહારાજને પૂછ્યું જે, હે ઘનશ્યામ! તમો ત્યાં દૂધ પીને સાટે પાણી નાખો છો ? ત્યારે બોલ્યા જે, ના. હુંતો એમ કરતો નથી, પરંતુ ભાભી તેમ કરતાં હશે. ત્યારે સુવાસિનીબાઇએ ઘરમાંથી દોણાં લાવીને બતાવ્યાં જે, જુઓ. આ દૂધ પાણી જેવું છે. ત્યારે ઘનશ્યામ બોલ્યા જે, એ તો બાખડી ગાયનું દૂધ જાડું હોય અને થોડાક દિવસની વિયાએલી ગાયનું પાતળું દૂધ હોય, એમ કહીને સમજાવ્યાં. તે વખતે મંગળ આહીર ત્યાં આવ્યો તેને પૂછ્યું, ત્યારે તે પણ ના પાડતો હતો. જે મને તો કંઈ ખબર નથી જે ઘનશ્યામ દૂધ પીએ છે. પણ દૂધ પાતળું છે તે માટે એમાં કંઈ ભેગ થયો લાગે છે. ત્યારે ઘનશ્યામ મહારાજ તેના તરફ જોઈને મંદમંદ હસવા લાગ્યા. ત્યારે ભક્તિમાતા બોલ્યાં જે, હે ભાઈ! તમો એમ કેમ કરો છો ? તમોને અમે જમવાના સમયે હમેશાં દૂધ આપીએ છીએ ને આજે વિશેષ જમો તેટલું આપીશું. ત્યારે બોલ્યા જે, જાઓ, હવેથી અમો દૂધ પીશું નહિ. એમ કહીને ત્યાંથી બહાર નીકળીને બોલ્યા જે, હે દીદી ! જે દિવસે તમો મને દૂધ નહિ આપો તે દિવસે હું પી જાઇશ. ત્યારે સુવાસિનીબાઇ હાથમાં જળ લઇને બોલ્યાં જે, હે ઘનશ્યામભાઈ ! તમોને મારે હમેશાં દૂધ આપવું. પરંતુ આવો બગાડ કોઇ દિવસ કરશો નહિ. એમ કહીને પૃથ્વી ઉપર જળ મૂકીને પ્રતિજ્ઞા કરતાં હતાં. હે રામશરણજી ! આવી રીતે અક્ષરાધિપતિ પુરૂષોત્તમ ભગવાન પોતે નરનાટ્ય ધારણ કરીને બાળલીલાઓ કરતા માતાપિતા આદિક સર્વે પુરવાસી જનોને આનંદ ઉપજાવતાં હતા.
🍃🍃🌼🍃🍃
#🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા